
આજના દિવ્ય ભાસ્કરમાં પ્રગટ થયેલ સમાચાર મુજબ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે એક અનોખી ઘટના બની છે. એ ગામના લેઉવા પટેલ જ્ઞાતિના વસ્તરપરા પરિવાર દ્વારા બે વર્ષના બાળક-બાળકીના વેવિશાળ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં સંબંધમાં આ બાળક-બાળકી મામા-ફઇના સંતાનો થાય છે. અત્રે નોંધનીય છે કે, અનેક જ્ઞાતિઓમાં મામા-ફોઇના પરિવારો વચ્ચે લગ્નસંબંધો બાંધવાનો રિવાજ છે. પણ લેઉવા પટેલ સમાજમાં એ સંબંધમાં લગ્નો નથી થતાં. ચમારડીના આ પરિવારે એક નવી પ્રથા શરૂ કરી અને સમગ્ર લેઉવા પટેલ સમાજને એ રિવાજ સ્વીકારવા આહવાન કર્યું છે.
*વૈજ્ઞાનીક દ્રષ્ટીએ જોઈએ તો આવા સંબંધો સ્વીકારવાની વિજ્ઞાન મનાઈ કરે છે. ( કોઈ જાણકાર આ બાબત વધારે પ્રકાશ પાડે )
*પરિવારને સમાજ સુધારવાનુ જ કામ કરવું હોય તો બીજા ઘણા રસ્તા છે.
*બીજી જ્ઞાતિ આવા રીવાજ સ્વીકારે છે એટલે આપણે પણ સ્વીકારવા જોઈએ તે બાબત પણ યોગ્ય નથી.
*ખરેખર સમાજ ને સુધારવો જ હોય તો કોઈ સારા નવા રીવાજ ચાલુ કરવા જોઈએ.
અત્યારના સમયમાં વર-કન્યા પોતાને જોયા મળ્યા વગર લગ્ન કરવા રાજી થતા નથી તો આજથી ૧૫ વર્ષ પછી આ બાળકો માબાપે નક્કી કરેલા લગ્ન કરવા રાજી થશે તે પણ શંકા છે.મને તો આમાં પ્રસિદ્ધિ (ખોટો વિવાદ ઉભો કર્યા) સિવાય કઈ દેખાતું નથી.