બ્લોગાચાર્ય ની ફાકી

ગઈ કાલે બ્લોગાચાર્ય પાસે મારા ચોકઠા ની તબિયત બતાવી હતી, એમણે  સર્જક્તા ચૂર્ણ ની ફાકી રોજ ગીત અને ગઝલ સાથે લેવાની સૂચના આપી. ચૂર્ણ તો લઈ લીધુ ને પરીણામ પણ સારુ મળ્યું. પરંતુ આ ગીત ને ગઝલ ગોતવાના બાકી હતા એટલે પહેલા તો તપાસ કરી મારા મૂળ વતન ગામ દેવડા માં જ. દેવડા આમ તો જૂનૂ મૂળ બારોટોનુ ગામ એટલે થયું કે વધારે મહેનત નહી કરવી પડે. સીધો  પહોચ્યો બારોટવાસ માં જઈ ને જોયું તો બધા ઘર બંધ હાલત માં. તપાસ કરતા માલુમ પડ્યું કે હવેના સમય માં ખાલી વાતો કરે પેટ નથી ભરાતું, રાજાશાહી વખતે બારોટોની વાતો સાંભળીને  રાજાઓ બારોટોને સાચવતા હતા પરંતુ હવે દેશી રજવાડાઓ રહ્યા નહી એટલે બારોટો ને મહેનત કર્યા વગર છૂટકો નથી. એટલે ગામ ના બધા બારોટો નજીક ના શહેરોમાં બીજા કામ ધંધે લાગી ગયા છે. હવે મારે ગીત ને ગઝલો ગોતવા બીજે ગામ જવુંજ રહ્યું.

શરૂઆત કરી જસદણ થી  હરીરામ બાપા ના આશિર્વાદ લીધા ને મારી મુશ્કેલી જણાવી. હરીરામ બાપાએ આર્શિવાદ આપતા કહું કે મને તો આ ગીત કે ગઝલ માં નો ખબર પડે મને તો બસ એકજ લીટી આવડે છે ” ભજન કરો ને ભોજન કરાવો ”  ત્યાંથી નીકળી ને મળ્યો હેમંત ચૌહાણ ને. હેમંત ચૌહાણ મારા ગામ પાડોશી. તેમને સાંજે રાજકોટ ના હેમુગઢવી નાટ્ય ગૃહ માં પોગ્રામ આપવા જવાનું હતુ, તેની ઈલેક્ટ્રીક તંબૂરા પર આંખો બંધ કરી તલ્લીન થઈ ને  ભજન ની પ્રેક્ટીશ કરતા હતાં.   મારી વાત સાંભળીને કહે મારી પાસે તો ભક્તિરસ છે જોઇ એટલો લઈ જાવ. મને તો વૈદ રાજે ગીતો ને ગઝલ ની ચીઠ્ઠી ( પ્રીસક્રીપ્શન ) લખી દીધેલી એટલે ભક્તિરસ નો લીધો પણ હેમંત ચૌહાણે મને હારે લીધો કે હાલો રાજકોટ ત્યાંથી તમારો કાંઈક મેળ પાડી દવ.

રાજકોટ હેમુગઢવી નાટ્ય ગૃહ માં જઈને મળ્યા ભીખુદાન ગઢવી ને.  હેમંતભાઈએ મારી ઓળખાણ આપતા કહ્યું કે આ મારા પાડોશી ભાડુઆત છે, અને તેમને ગીતો અને ગઝલો નો રસ જોઈએ છે.  હેમંતભાઈ ની વાત સાંભળી ને ભીખુદાનભાઈ મને કયું કે મૂકો ગીતો ને ગઝલો એક તો તમારે રહેવું ભાડાના મકાન માં વળી ગમે ત્યારે ખાલી કરવાની ઉપાધી એના કરતા તમે લોક્સાહિત્ય રસ ચાલૂ કરો . તમે જમવા બેઠા હો ને મે’માન આવે અને થાળીમાં અડધો જ રોટલો તમારાભાગ માં આવ્યો હોય અને એ રોટલો તમે મે’માન ને આપી દયો એવી સંસ્કૃતી વાળુ તમારૂ ઘરનું ઘર થઈ જાય. મે તેમને વિનમ્રતા પૂર્વક ના પાડી ને કિધુ કે ભીખુદાન ભાઈ લોક્સાહિત્ય ગઢવી લોકો પીરસે એજ સારું છે, અને એમાંજ મજા છે, મારા જેવા પટેલ ને જો તમે લોકસાહિત્ય આપ્યું તો તમને તો ખબરજ છે કે પટેલ જે ધંધા માં પડ્યો તે ધંધાનું તળીયુ લાવી દેશે.  આ વાત ચાલતી હતી ત્યાં જ શાહબુદ્દીન ભાઈ રાઠોડ આવ્યા, તેમની સાથે થોડી ઓળખાણ ખરી કારણ કે તે મારા ઘરથી  ખાલી બે ગામ છેટે રે. મારી વાત હાંભળી ને  કે પટેલ ભાઈ આ ગીત, કાવ્ય ને ગઝલ રેવા દેજો. મને કડવો અનુભવ છે.  મારો ભત્રીજો પ્રેમમાં પડ્યો હતો ને કાવ્યો ના રવાડે ચડ્યો તો, ભર ઉનાળે અને ખરાતડકે ઉભો ઉભો પાછો ગાતો હોય કે મંદ મંદ મલીયાન વાઈરહ્યો છે. ઉનાળા ની બપોરે લૂ વાય કે મલીયાન વાય ? માંડ છોડાવ્યો છે એમાંથી એટલે તમને ના પાડુ છુ કે આવુ ખોટુ હુ નહી તમને કરવા દઉ. તમે એક કામ કરો હાસ્યરસ ચાલૂ કરો. મે કિધુ કે રાઠોડ સા’બ તમે જ્યારે ચાલૂ કર્યુ ત્યારે શ્રોતા તરીકે તમારા વિદ્યાર્થીઓ જ હતા જે તમને રસપૂર્વક  સાંભળતા પણ મારે તો  આવા સારા વિદ્યાર્થી લાવવા ક્યાંથી ? છતાં જોઉ વિચારી જોઈશ એમ કહી ને હુ નીકળી ગયો ત્યાંથી.

હુ પહોચ્યો સીધો રાજકોટ ના હવાઈ મથક પર ત્યાં જઈ ને જોઉ તો મારા મિત્ર મનહરસિહ હાથ માં લાલ કલર નું ડબલૂં ને પીછી લઈ ને વિમાન ફરતા ગોળ ગોળ આંટા મારે. મે જઈ ને જય માતાજી કર્યા ને પૂછ્યુ શું કરો છો બાપૂ ? મને કે જગ્યા ગોતુ છું મારે આ વિમાન પર  ” જય માતાજી ” લખવું છે, મે કીધુ કે  આ રહી પૂંછડી લખી નાખો આટલી બધી જગ્યા છે. મને કે એમ નહી એતો સાઈડ માં છે મારે સામે દેખાય એમ લખવું છે, સામે થી બીજુ કોઇ વિમાન આવતુ હોય તો જય માતાજી વાંચી ને સીધી સાઈડ આપી દેને. મે એમને મારી મુશ્કેલી કીધી કે મારે ગીતો ને ગઝલો જોઈએ છે તો મને કે હાલો જાઈ મનહર પ્લોટ માં તીયાં  જો મેળ પડે તો . બાપૂ એ કાઢ્યુ ભટભટીયુ ( બૂલેટ – મોટર સાઈકલ – દ્વી ચક્રી વાહન )  ને પહોચ્યા મનહર પ્લોટ માં એક દાદામળ્યા વાત કરી તે ગળગળા થઈ ગયા કે ભઈ ઈવડી ઈ ગઝલૂ રેવાદેજો  જોને આ મનહર નાનો હતો ત્યારે જોયેલો પછી ગઝલો ગાવા માંડયો તે એટલો પ્રખ્યાત થઈ ગયો કે હવે આ શેરી ભૂલી ગયો સે. તમે ઈ ગઝલૂ ના રવાડે નો ચડતા બધૂ ભૂલવાડી દે છે. બાપૂ મને કે હાલો જામનગર જાઇ ત્યાં મેળ પડી જાશે. તે અમે તો ઉપડ્યા ભટભટીયા પર જામનગર સીધા ધીરૂની દુકાને ત્યાં વસંત પરેશ બેઠા હતા તેમને બધી વાત કરી તો વચ્ચે આવી ને ધીરૂ કે તમારે ગીત ને ગઝલ જોઇ છે ને હાલો મારી જોડે તમને બધા ગીતો ને ગઝલો ગાતા કરી દવ. મે કીધુ મારે ગાવા નથી લખવા છે તો ધીરૂ કે બધુ એકજ છે હાલો તમ તમારે મારી હારે, ત્યાં વચ્ચે વસંત પરેશ બોલ્યા ઉભો રે ધીરૂ તુ ક્યાં લઈ જાવાની વાત કરે છે ? ધીરૂ કે આપણી ગાંડા ની હોસ્પીટલ માં એમને જેટલા ગીતો ને ગઝલો ગાવી હોય તે બધા શીખવી દેશે. મે કીધુ ભાઇ ધીરૂ બસ મારે હવે નથી શીખવી ગઝલ.

અને અહિયા ગીતો ને ગઝલ શોધ આજ ના દિવસ પૂરતી બંધ કરી અને તેની અવેજી માં પેલૂ ચિત્ર માં દેખાય તે ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું પ્રતીકાર ચુર્ણ ચાલૂ કર્યુ.

Advertisements

9 comments on “બ્લોગાચાર્ય ની ફાકી

 1. વાહ1 તમારા આ બ્લોગનું તાજું લખાણ {તાજો રીપોર્ટ } જોઈને બ્લોગાચાર્ય ખુશ થઈને કહેવા લાગ્યા કે:જોયું ને? દવાની અસર કેવી થઈ? એમનમ લીધી તોય આવી અસર… કવિતા સાથે લીધી હોત તો?
  શૈલેશભાઈ , મજા આવી ગઈ. વધું ને વધું હાસ્યરચનાઓ લખતા રહો.. નવી નવી રીતો અજમાવતા રહો એવી શુભેચ્છાઓ.

  • Shailesh કહે છે:

   સૂચન કરવા માટે યશવંતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર

   • આ બ્લોગાચાર્ય કે અમારાં સૂચનો તો નિમિત્ત છે. મુખ્ય વાત તો તમારામાં રહે
    લી રમૂજવૃત્તિ અને એને લેખનમાં ઢાળવાની વૃત્તિ. એક મુદ્દાને તમે બરાબર પકડ્યો, એને લાડ લડાવ્યા અને છેવટ સુધી જાળવી રાખ્યો. અન્ય મહાનુભાવો અને એમનાં વ્યક્તિત્વને પણ કામમાં લીધાં. એકધારી ગતિ જાળવી. રસભંગ ન થાય તેનું ધ્યાન રાખ્યું. છેલ્લે અણધાર્યો વળાંક! આ બધું કાંઈ એક રાતમાં નથી આવડ્યુંને? સતત ચાલતી પ્રક્રિયાનું આ પરિણામ છે. ફરીથી ધન્યવાદ.

 2. atuljaniagantuk કહે છે:

  આ ચૂર્ણની અસર જબરી હોય છે. અને જ્યારે એ અસરના ઓટલેથી લખાયું હોય ત્યારે તો વધારે અસરકારક હોય છે. આ ભાવનગર વાળા શેઠ બ્રધર્સે ’પ્રતિકાર ચૂર્ણ’ તો હવે કાઢ્યું પણ બાકી ’કાયમ ચૂર્ણ’ કાયમ લોકોને ખવરાવીને બંગલા બાંધી લીધા છે.

 3. jjkishor કહે છે:

  વાહ ! ચારેકોર અસર વ્યાપી ગઈ લાગે છે !

  કેટલું ઝડપી ને કેટલું ટુ ધ પોંઈટ !! સૌરાષ્ટ્રના કોઈ પણ કસબાને લ્યો, ઢગલોક સામગ્રી મળી રે’વાની. આપણું વતન તો વતન છે, ભાઈ ! આવું વતન ક્યાં થાવાનું ?!

 4. chetu કહે છે:

  પેલું લગ્ન ગીત યાદ આવી ગયું
  ભલું ભલું રે સૌરાષ્ટ્ર ..! અમારે કાઠિયાવાડને તોલે કોઈ ના આવે માણારાજ ….! 🙂

 5. જીતેન્દ્રસિંહ પરમાર કહે છે:

  પટેલ મનહરસિંહ યાદ આય્વા ખરા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s